વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૪

સંવત ૧૮૮૪ના અષાડ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને મસ્તક ઉપર પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન-ભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ.

  પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે, (૧) હે મહારાજ ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી તોપણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થાતી નથી ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એને વિવેક નથી જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, મારે તો બ્રહ્મચર્યવ્રત છે તોપણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી તે બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે, કેમ જે એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાંદરો ઇત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતની અતિશે રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે, ને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી એ તો સહેજે જ મળી હતી, ને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જાશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થાશે ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન-પૂજન નહિ કર્યું જોઈએ, ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ; એ તો સહેજે જ તે સ્ત્રીઆદિકના સુખને પામશે અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકનાં પણ સુખ ભોગવ્યાં છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યાં છે તોપણ એ જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી, ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશે દુર્લભપણું જાણે છે, ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દૃઢ પ્રીતિ થાતી નથી, અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું તેમાં જઈને અમે સૂતા ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો, તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને એમ વર માગતો જે, હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા, શા માટે જે મનુષ્ય દેહમાં તો ત્રાંબું ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી, માટે હે શિવજી ! મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ-મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ ! એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે માટે એેને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થાતી નથી. (૧)

  પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જેને એવો અતિશે અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય પણ જેને એમ જણાતું હોય જે ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે તોપણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ જીવને પૂર્વજન્મને વિષે અથવા આ જન્મને વિષે કોઈક અતિશે ભૂંડાં જે દેશ, કાળ, સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે તેણે કરીને અતિશે તીક્ષ્ણ કર્મ થયાં છે, તે ભૂંડાં કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર-અસારને જાણે છે તોપણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થાતી નથી. (૨) તે જેવી રીતે ભૂંડાં દેશ, કાળ, ક્રિયા ને સંગ તેને યોગે કરીને ભૂંડાં કર્મનો ચિત્તમાં પાશ બેઠો છે, તેવી રીતે અતિશે પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા ને પવિત્ર સંગ તેને યોગે કરીને અતિશે તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગે કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડાં પાપકર્મ તેનો નાશ થઈ જાય છે ત્યારે એને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થાય છે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. (૩)

  પછી અયોધ્યાપ્રસાદજીએ પૂછ્યું જે, (૩) એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દૃષ્ટિ પૂગતી હોય, ને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ ઝાઝું જાણતો ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે ને થોડી બુદ્ધિવાળો હોય તે દૃઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ સંસારને વિષે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે. તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય તોપણ સત્સંગમાંથી વિમુખ જ થાય, ને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તોપણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાનું બીજ હોય ને લીંબડાનું બીજ હોય ને શિંગડિયા વછનાગનું બીજ હોય તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચીએ તોપણ મરચાં તે તીખાં જ થાય ને લીંબડો તે કડવો જ થાય ને શિંગડિયો વછનાગ તે ઝેર જ થાય, શા માટે જે એનું બીજ ભૂંડું છે. અને શેલડીને વાવીને લીંબડાના પાનનું ખાતર નાખીએ ને કડવું પાણી સિંચ્યા કરીએ તોપણ શેલડીનો રસ તે મીઠો જ થાય તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે. (૪)

  પછી શુકમુનિએ પૂછ્યું જે, (૪) દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દૈવી જીવ હોય તેને કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને હોય, પછી સારા દેશકાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય અને આસુરી જીવને જે કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહિ, અને તેને એક વાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહિ, અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય, પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નીસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નીસરે, તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારેક છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તોપણ મનમાં સંતોષ ન થાય. (૫)

  પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) હે મહારાજ ! તમે એમ કહ્યું જે, આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમપદને પામે. (૬)

  પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૬) નવધાભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નવધાભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દૃઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને શ્રેષ્ઠ છે. (૭)

  પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૭) જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે વયે કરીને પણ વૃદ્ધ હોય ને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય જેને દૃઢ હોય અને ભગવાનને વિષે પણ દૃઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ બેય જણાને કરવો. (૮)

  પછી નાજે જોગીએ પૂછ્યું જે, (૮) એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાણું છે, ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાણું છે, અને એકનું તો સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાણું છે, એ ત્રણમાં કિયો શ્રેષ્ઠ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાણું છે તે શ્રેષ્ઠ છે. (૯)

  પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૯) ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજીમહારાજે કહ્યો એવો જે સાર-અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો પ્રથમ જ ભગવાનમાં દૃઢ હેત થઈ જાય, તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગે કરીને પ્રગટ થાય છે. ને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ, તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે, તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે એવી રીતે પશુ-પક્ષીમાં સર્વત્ર દેખાય છે, તેમ જેને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દૃઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્ય ને વિવેક થઈ આવે છે. (૧૦)

પછી વળી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૦) બુદ્ધિમાન તો બેય પુરુષ છે તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે, ને બીજો તો પરમેશ્વરનાં વચન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને, એ બેમાં કિયો શ્રેષ્ઠ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે જે, જે મારે દૃઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું, માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. (૧૧)

૧૧ પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૧) મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે તોપણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશે માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તોપણ કોઈનો અવગુણ ન લે, ને પોતે મૂંઝાય પણ નહિ, અને વાંક વિના પણ પરમેશ્વર ને સંતે પોતાનું અતિશે અપમાન કરે તોપણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે, અને ત્રીજો પ્રકાર એ છે જે જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશમાત્ર ફેર પડે તો અતિશે દુઃખાઈ જાય, ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત્ત કરે અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુઃખાય ને ત્રાસ પામે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. (૧૨)

૧૨ પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૨) કેમ કરીએ તો ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્મ્ય રહે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો એમ કરવું જે દેહે કરીને સર્વે સંતને પગે લાગવું, અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબવું, પગ દાબવા ને ખાધા-પીધાની ખબર રાખવી અને પોતાની પાસે પોતાને મનગમતી વહાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરવી. એવી રીતે દેહે કરીને જો વર્તે તો અંતરમાં ભગવાનનું ને સંતનું માહાત્મ્ય અખંડ રહે. (૧૩)

૧૩ પછી શ્રીજીમહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે, (૧૩) ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતાં હોય તોપણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય, ને વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય, અને ભક્તિમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય, અને જ્ઞાનમાં પણ કાંઈક દેહાસક્તિ રહી જાય તેનું શું કારણ હશે ? પછી ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે એવા જે ઈશ્વરમૂર્તિ સમર્થ તેમાં જે કાંઈક કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી, અને એવા જે મોટા હોય તે બાહ્ય દૃષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવા ને શુકજી જેવા કરી મૂકે. માટે એવા અતિશે જે મોટા તેમને જે વ્યાવહારિક દૃષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે એનો ઉત્તર એ જ છે. (૧૪) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૪।। (૨૪૮)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧૩) છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેને સ્ત્રી સંબંધી મલિન વાસના હોય તેને અમારે વિષે પ્રીતિ ન થાય. (૧) બીજામાં અતિશે ભૂંડા દેશકાળાદિકને યોગે ભૂંડા કર્મનો પાશ લાગ્યો હોય તે સાર-અસારને જાણે તોપણ અમારે વિષે પ્રીતિ ન થાય. (૨) અને અતિશે પવિત્ર દેશાદિક ને અતિશે સુકૃત કર્મ થાય તો એ પાપકર્મનો નાશ થઈ જાય. (૩) ત્રીજામાં આસુરીને ઝાઝી બુદ્ધિ હોય પણ તે વિમુખ થાય ને દૈવીને થોડી બુદ્ધિ હોય તોપણ સત્સંગમાંથી વિમુખ થાય નહીં. (૪) ચોથામાં દૈવીના દોષ સારા દેશાદિકને યોગે નાશ થાય ને આસુરીના ન થાય ને એનું ગમતું મરડીએ તો દ્રોહ કરે. (૫) પાંચમામાં આસુરી જીવનું ગમતું રાખીએ એવામાં દેહ પડી જાય તો પરમપદને પામે.(૬) છઠ્ઠામાં નવધામાં જે ભક્તિએ અમારે વિષે સ્નેહ થાય તે ભક્તિ તેને શ્રેષ્ઠ છે. (૭) સાતમામાં બાળ તથા યૌવન અવસ્થાવાળાએ વયોવૃદ્ધ ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને અમારે વિષે દૃઢ પ્રીતિવાન હોય એવા પુરુષનો સંગ કરવો. (૮) આઠમામાં હેતે કરીને અમારે વિષે મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે. (૯) નવમામાં પ્રથમ અમારે વિષે હેત થાય તો વૈરાગ્ય ને વિવેક આવે. (૧૦) દશમામાં વિશ્વાસી શ્રેષ્ઠ છે. (૧૧) અગિયારમામાં મંદવાડમાં ચાકરી ન થઈ હોય ને વગર વાંકે અમે ને સંત અપમાન કરીએ તોપણ અવગુણ ન લે, અને નિયમમાં લેશમાત્ર ફેર પડે તો તત્કાળ પ્રાયશ્ચિત્ત કરે ને ખોટો ઘાટ થાય તો વર્તમાનમાં ફેર પડ્યા જેટલો ત્રાસ પામે ત્યારે તેનો અમને ને સંતને વિશ્વાસ આવે. (૧૨) બારમામાં દેહે કરીને સર્વેને પગે લાગે ને માંદાની સેવા કરે ને વહાલી વસ્તુ સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે તેના અંતરમાં અમારું ને સંતનું માહાત્મ્ય રહે. (૧૩) તેરમામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અતિ તીવ્ર વર્તતાં હોય એવા અતિશે મોટાને વ્યવહારિક દૃષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. (૧૪) બાબતો છે.

         પ્ર બીજા પ્રશ્નમાં અતિશે ભૂંડાં કર્મ કહ્યાં તે કિયાં જાણવાં ? અને ત્રીજી બાબતમાં અતિશે સુકૃત કર્મ કહ્યાં તે કિયાં જાણવાં ?

         મદ્ય, માંસ, લસણ, ડુંગળી, હિંગ આદિક અભક્ષ વસ્તુનું ભક્ષણ કરવું તથા ચોરી, હિંસા, વ્યભિચારાદિક કર્મ કરવાં, ન જોવાનું જોવું, ન બોલવાનું બોલવું ઇત્યાદિક શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ આચરણ થાય તે ભૂંડાં કર્મ જાણવાં અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ, ધ્યાન-ભજન, સત્પુરુષની સેવા, બ્રહ્મચર્ય, અહિંસા, એ આદિક શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું તે શુભ કર્મ જાણવાં. આવાં અતિશે શુભ કર્મે કરીને અતિશે ભૂંડાં પાપકર્મનો નાશ થઈ જાય એમ કહ્યું છે.

         પ્ર (૮/૯ આઠમા પ્રશ્નમાં) સ્નેહે કરીને મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું તે સ્નેહે કરીને તો શ્રીજીમહારાજને વિષે મન જોડાય, પણ ક્રોધ ને ભયે કરીને કેવી રીતે જોડાતું હશે ?

         જ્યારે ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વીને વિષે વિચરતા હોય ત્યારે ભગવાનને વિષે જેને દ્વેષભાવે કરીને અતિશે વૈરબુદ્ધિ થઈ હોય તેને અખંડ ભગવાનમાં વૈરભાવે કરીને વૃત્તિ રહે તે ક્રોધે કરીને મન જોડાણું કહેવાય. અને જેને જન્મમરણ, ગર્ભવાસ, ચોરાશી ને યમયાતનાની બીક હોય તેને ભગવાનની સ્મૃતિ અખંડ રહે તે ભયે કરીને મન જોડાણું કહેવાય.

         પ્ર (૧૩/૧૪ તેરમા પ્રશ્નમાં) કહ્યું તે ધર્મમાં સંકરપણું કેવી રીતે થાતું હશે અને વૈરાગ્યમાં રાગ શો રહેતો હશે અને ભક્તિમાં શિથિલપણું શું થાતું હશે ? અને જ્ઞાનમાં દેહાસક્તિ શી રીતે રહેતી હશે ?

       ત્યાગીએ જ્ઞાનઉપદેશ કરીને ઘણા માણસોને ભગવાન ભજાવીને નિર્વાસનિક કરીને તેમનાં કલ્યાણ કરવાં, અને લીલા તૃણને પણ તોડવું નહિ એવો ધર્મ છે, તોપણ મંદિરો સંબંધી ક્રિયામાં તૃણાદિકના છેદનરૂપ અહિંસા ધર્મમાં કસર દેખવામાં આવે અને અતિ તીવ્ર વૈરાગ્ય હોય પણ કોઈક ભક્તને રાજી કરવા સારુ સારી વસ્તુ આપે તે જમે એમ વૈરાગ્યમાં પણ રાગ દેખવામાં આવે અને શ્રીજીમહારાજને વિષે અતિશે સ્નેહે કરીને જોડાઈ રહ્યા હોય તેથી ઉપરથી દર્શન-સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું ન જણાય તેણે કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે પ્રીતિમાં શિથિલપણું બીજાને દેખવામાં આવે તે (સા. ૧૫/૨માં) જેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને પ્રીતિ હોય તેને ઉપરથી તો અમારાં દર્શન-સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું જણાતું નથી, પણ એની પ્રીતિનાં મૂળ ઊંડાં છે માટે તે ભક્ત શ્રેષ્ઠ છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે, માટે ઉપરથી દર્શનાદિકની આતુરતા ન જણાય તેણે કરીને બીજાને દેખવામાં શિથિલપણું આવે પણ એમને વિષે કસર ન હોય, અને જ્ઞાને કરીને શ્રીજીમહારાજની મૂર્તિનો પોતાના આત્માને વિષે સાક્ષાત્કાર હોય ને દેહને ખોટો કરી નાખ્યો હોય તોપણ બીજાના કલ્યાણને અર્થે તેને પોતાના દેહની સેવા કરવા દે ત્યારે બીજાના દેખવામાં દેહાસક્તિ આવે પણ પોતાને દેહમાં આસક્તિ ન હોય આવા મોટા મુક્ત હોય તે અખંડ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા હોય ને મૂર્તિમાં રહ્યા થકા બાહ્ય દૃષ્ટિ રાખીને જ્ઞાનઉપદેશ કરીને તથા સેવા અંગીકાર કરીને ને શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરાવીને જડભરત, શુકજી જેવા એટલે પોતાના જેવા મુક્ત કરી મૂકે. ।।૧૪।।